ભગવાન શ્રીકૃષ્ણના પ્રેમીભક્ત શનિદેવ 

કશ્યપ ગોત્રી ભગવાન સૂર્યનારાયણ ના દસ સંતાનો હતા. ભગવાન વિશ્વકર્માની પુત્રી – સંજ્ઞા નામની પત્ની (ભગવાન સૂર્યનારાયણ ની લીલા શક્તિ) થી વૈવસ્વત મનુ, યમ, યમી (યમુના), અશ્વિનીકુમાર અને રેવતનો જન્મ થયો. તેમજ સંજ્ઞાની જ આચ્છાદિત શક્તિ – છાયા (ભગવાન સૂર્યનારાયણ ની આત્મ શક્તિ) થી શનિદેવ, તપતી, વિષ્ટિ (ભદ્રા) અને સારણી મનુનો જન્મ થયો. શનિદેવનો જન્મ જ્યેષ્ઠ કૃષ્ણ અમાવાસ્યા ના દિવસે થયો હતો. શનિદેવ ની શરીર-કાંતિ ઇન્દ્રનીલ મણિ સમાન છે. તેમના શિર પર સ્વર્ણમુકુટ, ગળામાં માળા તથા શરીર પર નીળા રંગના વસ્ત્ર સુશોભિત છે. શનિદેવ હાથોમાં ક્રમશઃ ધનુષ, બાણ, ત્રિશૂળ અને વરમુદ્રા ધારણ કરે છે. શનિદેવ ગીધ પર સવાર રહે છે કે જેની વહન/ગમન દ્રષ્ટિ સ્વયં ભગવાનની આલાધની શક્તિ ના દર્શન કરે છે.

પુરાણોમાં “છાયા”નો અર્થ માત્ર પ્રતિબિંબ નહીં, પરંતુ “સંયમ” અને “તપ” પણ છે. “છાયા” (આત્મ શક્તિ) માંથી આનંદ તત્વ ઉત્પન્ન થઈ શકે છે. તપથી ભક્તિ, ભક્તિ થી જ્ઞાન અને વૈરાગ્ય, અને જ્ઞાન અને વૈરાગ્ય થી પરમ વૈષ્ણવત્વ. એટલે કે “અંધકાર પણ જો ઈશ્વર તરફ વળે, તો તે મોક્ષનો માર્ગ બની જાય છે.” આ જ કારણે શનિદેવ ને માત્ર ભયના દેવ નહીં, પરંતુ કર્મ, ન્યાય, તપ અને અંતે ભગવત્પ્રાપ્તિના પ્રેરક માનવામાં આવ્યા છે.

સ્કંદ પુરાણ અને શનિદેવ મહાત્મ્ય અનુસાર, શનિદેવે બાળપણથી જ સદગુરુદેવ ભગવાન મહાદેવ ની કૃપા આશીર્વાદ પ્રાપ્ત કરી ભગવાન શ્રીકૃષ્ણ ની ઉપાસના માટે કઠોર તપ કર્યું હતું.

एते चांशकलाः पुंसः कृष्णस्तु भगवान् स्वयम्। इन्द्रारिव्याकुलं लोकं मृडयन्ति युगे युगे॥

અન્ય બધા દેવતાઓ અને અવતારો પરમાત્માના અંશ અથવા કળા છે, પરંતુ શ્રીકૃષ્ણ સ્વયં સાક્ષાત્ ભગવાન છે. શનિદેવ ની ભગવાન કૃષ્ણ પ્રત્યે ની કોઈ પણ સ્વાર્થ, લાભ કે પ્રતિફળ વિનાની ભક્તિએ તેમને કર્મફળ આપનાર ગ્રહ અને એના થી પણ વધુ ઉપર ઉઠાવીને ભગવાન કૃષ્ણએ દિવ્ય જ્ઞાન અને વૈરાગ્યના પ્રતીક બનાવી દીધા. ભગવાન કૃષ્ણએ પ્રસન્ન થઈ શનીદેવને નવગ્રહોમાં સ્થાન આપ્યું છે.

कर्म प्रधान विश्व करि राखा। जो जस करइ सो तस फलु चाखा॥

વિષ્ણુ પુરાણમાં ભગવાન કૃષ્ણને જ કર્મ-નિયંતા કહ્યા છે. તેથી શનિદેવ ભગવાન કૃષ્ણના ન્યાય-સ્વરૂપના પ્રતિનિધિ છે – આ જ કારણ છે કે શનિદેવ મનુષ્ય હોય કે દેવ, પશુ હોય કે પક્ષી, રાજા હોય કે રંક – સૌ માટે તેમના કર્મ અનુસાર તેમના દંડનો નિર્ણય કરે છે તથા દંડ આપવામાં નિષ્પક્ષ નિર્ણય લે છે, પછી ભલે જીવ નું કર્મ આ જન્મનું હોય કે પૂર્વજન્મનું.   

શનિદેવ અને ભગવાન સૂર્યનારાયણનું ઐક્ય

૧. ન્યાયપ્રિયતા: ભગવાન સૂર્યનારાયણ ને સમગ્ર જગતના સાક્ષી માનવામાં આવ્યા છે. તેઓ સત્યના પ્રકાશક, ધર્મના નિરીક્ષક, અને જીવનદાતા છે. એ જ રીતે શનિદેવને કર્મોના ન્યાયાધીશ, નિષ્પક્ષ ફળ આપનાર, અને અધર્મ દંડક માનવામાં આવ્યા છે. ભગવાન સૂર્યનારાયણનો “સત્ય-પ્રકાશ” શનિદેવ માં “કર્મ-ન્યાય” બનીને ઊતર્યો.

૨. વૈરાગ્યમાં છુપાયેલ તેજ: ભગવાન સૂર્યનારાયણ બાહ્ય અંધકાર દૂર કરે છે, શનિદેવ ભીતરનો અહંકાર અને મોહ દૂર કરે છે. બંનેનો ઉદ્દેશ અંતે આત્મ-જાગૃતિ જ છે.

૩. નિષ્પક્ષતા: ભગવાન સૂર્યનારાયણ સૌને સમાન પ્રકાશ આપે છે, રાજા હોય કે ગરીબ, સજ્જન હોય કે દુષ્ટ. એ જ રીતે શનિદેવ કોઈ ભેદ-ભાવ રાખ્યા વિના સૌને કર્મ-ફળ આપે છે.

આ નશ્વર જગતના લૌકિક સંબંધોની વચ્ચે, જેવા કે પિતા-પુત્રની વચ્ચે, મનભેદ નહીં પણ મતભેદ થાય એ સંભવ છે, કોઈ વિશેષ વાત નથી. અને મતભેદનું કારણ પણ જો સનાતન ધર્મના મૂલ્યોનું સન્માન કે ભગવાન પ્રત્યે ની અહૈતુક પ્રેમ ભક્તિ પામવા સંબંધી હોય તો તેવો મતભેદ આવકાર્ય/સન્માનનીય ગણાતો હોય છે. ઉદાહરણ રૂપે, આ વિશ્વની રચના ની શરૂઆતમાં જ, સૌથી પ્રથમ અને શ્રેષ્ઠતમ સંતાનોએ (સનકાદિ ઋષિઓએ), તેમના પિતાની (ભગવાન બ્રહ્માજીની) આજ્ઞાનું પાલન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી!!

શું શનિદેવની દ્રષ્ટિ ખરેખર “શાપિત” છે?

કેટલીક પરંપરાઓ શનિદેવ સાથે સંકળાયેલ “ગૃહસ્થધર્મ-તત્વ (પત્ની, માતા, અથવા દેવી)” ના શાપ ની કથાનો ઉલ્લેખ કરે છે, આ એક “પ્રતીકાત્મક ઉપદેશ માત્ર” છે કે સાંસારિક સંતુલન વિનાનો અતિશય વૈરાગ્ય પણ ગૃહસ્થધર્મમાં પ્રતિકૂળ પરિણામો ઊભા કરે છે. પરંતુ વાસ્તવમાં ભગવાન શનિદેવની લીલા-કથા સમજાવે છે કે:

अप्रायत्यादात्मनस्ते दोषान् मौहूर्तिकादुत । मन्निदेशातिचारेण देवानां चातिहेलनात् ॥

જેનું ચિત્ત સાંસારિક વાસનાઓથી દૂષિત થયેલું છે તેવા ગૃહસ્થ જીવ ને સમયનું જ્ઞાન હોતું નથી, તેઓ સંતની વાણી કે દેવની આજ્ઞા ને પણ માનતા નથી અને અંતે સમાજમાં અમંગળમય પરિણામ ઉત્પન કરે છે.

एतावान् साधुवादो हि तितिक्षेतेश्वरः स्वयम् ॥

સંસારમાં બસ, સાધુતા એ જ છે કે બદલો લેવાનું સામર્થ્ય હોય તોપણ પરિવારે કરેલા અપકારને સહી લે.

नारायणपरा: सर्वे न कुतश्चन बिभ्यति । स्वर्गापवर्गनरकेष्वपि तुल्यार्थदर्शिन: ॥

જે લોકો ભગવાનના શરણે થયેલા હોય છે તેઓ વૈવાહિક કે કૌટુંબિક કે સાંસારિક જીવન માં કોઈનાથી પણ ડરતા નથી; કારણ કે તેમને સ્વર્ગ, મોક્ષ અને નરકોમાં પણ એક જ વસ્તુનાં, કેવળ ભગવાનનાં જ સમાન ભાવે, દર્શન થાય છે.

वासुदेवे भगवति भक्तिमुद्वहतां नृणाम् । ज्ञानवैराग्यवीर्याणां न हि कश्चिद् व्यपाश्रय: ॥

જેમની પાસે જ્ઞાન અને વૈરાગ્યનું બળ છે અને જેઓ ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણોમાં ભક્તિભાવ રાખે છે તેમને આ સંસારમાં ભગવાન સ્વયં આશ્રય આપતા હોય છે.

આ કળિયુગમાં ભગવાન શંકરની કૃપાથી જે એકમાત્ર જીવને ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં સદેહે ગોલોકધામ લઈ ગયા હતા એ નરસિંહ મહેતાએ ભગવાન ના નામસ્મરણને જીવનનું સર્વોચ્ચ ધ્યેય માન્યું હતું અને તે માટે તેમણે વૈવાહિક, કુટુંબિક તથા સામાજિક બંધનો કરતાં પણ ભક્તિને વધુ મહત્વ આપ્યું હતું. પરંતુ તેનો અર્થ એવો નથી કે તેમણે પત્નીનું અપમાન કર્યું અથવા ગૃહસ્થધર્મનો ત્યાગ કર્યો હતો, પરંતુ ભગવાનના નામસ્મરણને જ જીવનનું પરમ સત્ય અને સર્વોચ્ચ પ્રાથમિકતા માન્યું. “જે સંબંધ ભગવાન તરફ લઈ જાય તે જ સાચો સંબંધ.”

માટે જ વાસ્તવમાં, શનિદેવની ઢળેલી / ઝુકેલી આંખોનો પ્રતીકાત્મક અર્થ રૂપાંતરકારી છે. નીચેની તરફ નજર એ વિનમ્રતા અને વૈરાગ્ય નું, કઠોર નજર એ અહંકાર ના નાશનું,, સીધી નજર ટાળવી એ સંયમ દ્વારા કરુણા નું પ્રતીક છે. આમ, શનીદેવની દ્રષ્ટિ શાપિત નથી. સાચો ન્યાય નિષ્પક્ષ, સંયમિત અને અહંકારમુક્ત હોય છે. શનિદેવ પ્રથમ જૂઠા અભિમાનનો નાશ કરે છે, પછી સાચા ચારિત્ર્યનું નિર્માણ કરે છે.

શનિદેવ ડરાવવા નહીં, સુધારવા આવે છે!

શનિદેવ, જે ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત છે, તેઓ કોઈને કેવી રીતે કષ્ટ પહોંચાડી શકે? જ્યારે મનુષ્ય અહંકાર, અન્યાય, છેતરપિંડી, આળસ અથવા અધર્મમાં ફસાઈ જાય છે, ત્યારે શનિદેવ જીવનમાં એવી પરિસ્થિતિઓ લાવે છે કે જેથી વ્યક્તિ પોતાના કર્મોને ઓળખી શકે. આ “સજા” કરતાં વધુ “જાગૃતિ” હોય છે. આથી જ કહેવાય છે: “શનિદેવ વ્યક્તિનો વિનાશ નથી કરતા, પરંતુ તેના અહંકારનો વિનાશ કરે છે.”

ગ્રહો કોઈને સજા આપે છે એવું વિજ્ઞાન નથી કહેતું. પરંતુ વિજ્ઞાન એ જરૂર માને છે કે દરેક ક્રિયાનું પરિણામ હોય છે, આદતો જીવન ઘડે છે, શિસ્ત સફળતા આપે છે, અને ખોટી જીવનશૈલી તણાવ પેદા કરે છે. આ જ તો શનિદેવ નો સિદ્ધાંત છે – “કર્મનું પરિણામ.” ઉદાહરણ – જો વ્યક્તિ આળસુ હોય → આર્થિક સમસ્યાઓ વધશે, જો વ્યક્તિ ક્રોધી હોય → સંબંધો તૂટી જશે, જો વ્યક્તિ અસંયમી હોય → આરોગ્ય બગડશે. આ “શનિદેવ નો શાપ” નથી, પરંતુ “કારણ અને પરિણામ” નો નિયમ છે.

શનિદેવ નો ભય કેમ ફેલાયો? કારણ કે મનુષ્ય મુશ્કેલીથી ડરે છે, પરિવર્તનથી ડરે છે, અને પોતાના કર્મોનો સામનો કરવા ઇચ્છતો નથી. આથી તેણે શનિદેવ ને ભયનું પ્રતીક બનાવી દીધું.

સનાતન સત્ય શું કહે છે? સનાતન ધર્મનો મૂળ આધાર ભય નહીં, પરંતુ ચેતનાનો વિકાસ છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ ભગવદ ગીતા માં વારંવાર કર્મ, સમત્વ, આત્મનિયંત્રણ, અને નિર્ભયતા ની શિક્ષા આપી છે. આથી શનિદેવને સમજવાનો સાચો માર્ગ એ છે – “તેઓ આપણને ઈશ્વરથી દૂર નહીં, પરંતુ ઈશ્વરની કૃપા માટે યોગ્ય બનાવે છે.”

શનિદેવની સર્વોત્તમ પૂજા શું માનવામાં આવી છે?

સત્ય અને ઈમાનદારી – કારણ કે શનિદેવ કર્મ અને ન્યાયના દેવ છે. શનિદેવપીડિત, ગરીબો, વૃદ્ધો, રોગીઓ અને ઉપેક્ષિત લોકોની સેવાથી પ્રસન્ન થાય છે. શનિદેવને સૌથી અપ્રિય વસ્તુ અહંકાર માનવામાં આવી છે. જ્યારે વ્યક્તિ વિનમ્ર બને, પોતાની ભૂલો સ્વીકારે, આચરણને સર્વોચ્ચ પૂજા અને જીવનને ઈશ્વરની ભેટ માને ત્યારે શનિદેવ પ્રસન્ન થાય છે. નિયમિત સાધના, સમયનો સન્માન, સંયમિત જીવન, અને ધૈર્ય શનિદેવને પ્રિય છે. શનિદેવ સેવક-ધર્મ ના જીવંત સ્વરૂપ ભગવાન હનુમાનજીના દર્શન અને હનુમાનજીની પ્રેમ ભક્તિ થી પ્રસન્ન થાય છે કારણ કે આવી સેવક-ધર્મ ભક્તિ સૌથી કઠણ ભાગવત ધર્મ છે… જેને ભગવાને યોગી કરતા પણ શ્રેષ્ઠ પ્રયોગી ધર્મ  – તરીકે ઓળખાવ્યો છે. सिर भर जाउँ उचित अस मोरा। सब तें सेवक धरमु कठोरा॥

સાચા શનિદેવ-ભક્ત ની ઓળખ શું?

જેનામાં પવિત્રતા અને સરળતા છલકાય! એ વૃધ્ધ, કે જેની નજર માંથી સંસાર છુટી ગયો છે, જે પૂર્ણની ખુબજ નજીક પહોચી ગયો છે, જેની નજર પૂર્ણ ઉપર સ્થીર થઈ ગઈ છે, અને સ્વાભાવિક પરમાનંદ માં લીન થઈ ગયો છે. એવા ભક્તિ-વૃધ્ધ ની સેવા… એટલે પૂર્ણ-તત્વ ની સેવા… એટલે શ્રીકૃષ્ણ-તત્વ ની સેવા… એટલે શનિદેવ ના આરાધ્ય ની… શનિદેવ ની સેવા!

ગરીબ, અપંગ અને મજૂરોની સેવા

આ શનિદેવની સૌથી ઉચ્ચ ઉપાસના માનવામાં આવે છે. શનિ પીડિત, અવગણાયેલા, ગરીબ મજૂરોનું અને બોજ વહન કરનારાઓનું પ્રતિનિધિત્વ કરે છે. શનિ ઉપાસનામાં માત્ર કર્મકાંડ (વિધિ-વિધાન) નહીં, પરંતુ સેવા પર વિશેષ ભાર મુકવામાં આવે છે. નિઃસ્વાર્થ ભાવથી અને દેખાવ વગર ગરીબ, બીમાર અને અપંગ લોકોને મદદ કરવી એને  શનિ ઉપાસનાનું સૌથી સાચું સ્વરૂપ માનવામાં આવે છે.

શમી વૃક્ષ

शमी शमयते पापं शमी शत्रु विनाशिनी ।  अर्जुनस्य धनुर्धारी रामस्य प्रियदर्शिनी ॥

શમીનું વૃક્ષ રણપ્રદેશ, સુકું વાતાવરણ, કઠોર ગરમી, નબળી જમીન અને પાણીની અછત જેવી પરિસ્થિતિઓમાં પણ ટકી રહે છે. છતાં તે ફરિયાદ કર્યા વગર શાંતિથી સેવા આપે છે, દબાણ હેઠળ પણ મૂળ સાથે જોડાયેલું રહે છે, મુશ્કેલી વચ્ચે પણ બીજાઓનું રક્ષણ કરે છે, અને ધીરે ધીરે પણ સ્થિરતાથી વધે છે. આ ગુણો સીધા શનિદેવના આધ્યાત્મિક ગુણોને દર્શાવે છે જેમ કે સહનશક્તિ, દૃઢતા, શિસ્ત, પીડામાં ટકી રહેવું. શમી વૃક્ષ અને શનિદેવ વચ્ચેનો સૌથી ઊંડો સંબંધ એ છે કે સાચી શક્તિ શાંતિપૂર્ણ, ધીરજવાળી, શિસ્તબદ્ધ હોય છે અને મુશ્કેલીઓમાં પરખાય છે.

શનિદેવ ઉપાસનામાં ઉપયોગ થતા પદાર્થો પાછળનો પ્રતિકાત્મક ભાવ

કાળા તલ

તલ અહંકારના સમર્પણ અને સંચિત કર્મને “બાળી નાખવા”નું પ્રતીક છે. તેનો કાળો રંગ શનિના વ્યક્તિત્વ સાથે જોડાયેલો છે અને નકારાત્મકતા શોષી લેવી, આંતરિક ઉગ્રતા શાંત કરવી, અહંકારનો ત્યાગ,  સ્થિરતા અને આધ્યાત્મિક શુદ્ધિકરણ જેવા સિદ્ધાંતો અને ભૂમિ સાથે નું જોડાણ દર્શાવે છે. આ તત્વો કર્મ શુદ્ધિ, પૂર્વજોની શાંતિ, નમ્રતા અને ઊર્જામાં રૂપાંતરિત થાય છે.

સરસવનું તેલ

સરસવનું તેલ ભૌતિક મૂલ્ય ધરાવતી વસ્તુનું સમર્પણ કરવાની તૈયારી દર્શાવે છે. શનિ ગરીબ અને મજૂર વર્ગના અધિકારી હોવાથી તેલનું દાન એકતા અને સહાનુભૂતિનું પ્રતિક છે. તે અહંકાર અને સંપત્તિ પ્રત્યેના આસક્તિને ઓગાળે છે. સરસવનું તેલ તીક્ષ્ણ, ઊંડે સુધી પ્રવેશ કરનારું અને શુદ્ધ કરનારું છે. તે આળસ દૂર કરવું, જાગૃતિ લાવવી અને છુપાયેલી નકારાત્મકતાનો નાશ કરવાનું પણ પ્રતિક છે.

અડદની દાળ

અડદનો કાળો રંગ શનિની શોષક અને પરિવર્તનકારી શક્તિને દર્શાવે છે. શરીરને પોષણ આપતી વસ્તુનું અર્પણ એ દેવતાને કરવામાં આવે છે જે શરીરની મર્યાદાઓ (હાડકાં અને નસો) પર અધિકાર રાખે છે. તે બ્રહ્માંડીય નિયમ પ્રત્યેની ની પ્રતીકાત્મક સ્વીકૃતિ દર્શાવે છે.

લોખંડની વસ્તુઓ

લોખંડનું ભારેપણું અને મજબૂતી, શનિના ગુણો – શિસ્ત, સહનશક્તિ અને કર્મના ભાર – ને દર્શાવે છે. આ શનિની ઊર્જા સાથે નો પ્રતીકાત્મક સુમેળ, અને શનિના ગંભીર, સ્થિર અને અડગ સ્વભાવ સાથેનું પ્રતિકાત્મક જોડાણ દર્શાવે છે.

કાગડો

કાગડો એવી વસ્તુઓ જોવે છે જેને સામાન્ય લોકો અવગણે છે. કાગડાનું સન્માન કરવું નમ્રતા કેળવે છે કારણ કે શનિની કૃપા અવગણાયેલા, ભૂલાઈ ગયેલા અને પૂર્વજો ની સેવા દ્વારા મળે છે. આ નીચા ગણાતા/ સામાન્ય દેખાતા જીવમાં પણ દિવ્યતાને જોવાનો અભ્યાસ છે. કાગડા ને “સુક્ષ્મ સંકેતો અને ચેતવણીના પ્રતીક” તરીકે પણ જોવામાં આવે છે.

શનિ પૂજાના તત્વોનો સાર

तिलतैललोहमात्रेण शान्तिः जायते ध्रुवम्शुद्धभावेन कर्मैव शनिदेवःप्रसन्न्यति

“માત્ર તલ, તેલ અથવા લોખંડના દાન-કર્મ થી શાંતિ પ્રાપ્ત થતી નથી; ભગવાન શનિદેવ શુદ્ધ આચરણ અને સત્યનિષ્ઠા થી  પ્રસન્ન થાય છે.”

શનિદેવને પૂજા-અર્પણ થતી વસ્તુઓ પાછળનો આધાર તર્કસંગત અને ગહન છે, મનસ્વી નથી.  વૈદિક જ્યોતિષમાં શનિ જનસમૂહ, સેવા અને કોઈ પક્ષપાત વિના કર્મના પરિણામ પર શાસન કરે છે. તેથી શનિપૂજા ગરીબ અને પીડિત લોકો સાથે એકતા દર્શાવતી ઉપાસના છે – તમે જે વસ્તુઓ ગરીબોને ઉપયોગી હોય તે અર્પણ કરો છો અને દાન પણ ગરીબોને આપો છો. શનિ એકમાત્ર એવા ગ્રહ-દેવ છે જેઓ ક્યારેય ખુશામત કે લાંચ દ્વારા કર્મ ને અવગણવા દેતા નથી. તેથી તેમની પૂજા માત્ર માગણી માટે નથી, પરંતુ જીવનના કારણ અને અસરના નિયમને સ્વીકારવો, ધૈર્ય કેળવવું અને વિનમ્ર સેવા કરવી – એ જ સાચી શનિ ઉપાસના છે.

ભગવાન શનિદેવ અને शनैः शनैः ભાવ

शनैः शनैरुपरमेद् बुद्ध्या धृतिगृहीतया । आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ॥

“ક્રમશઃ, પગલા પગલે, સ્થિર બુદ્ધિ અને ધીરજ સાથે, મનને આધ્યાત્મિક સ્થિરતા તરફ લાવવું જોઈએ.” આ સિદ્ધાંત સૌથી બળવાન શાસ્ત્રીય આધારોમાંનો એક અને ઊંડો આધ્યાત્મિક અર્થ ધરાવે છે કે આધ્યાત્મિક ઉન્નતિ ધીમે અને સ્થિર રીતે થાય છે. દિવ્ય સાક્ષાત્કાર બળજબરીથી થતો નથી; તે ધીમે ધીમે પાકે છે. જેમ સવાર ધીમે ધીમે આવે છે, બીજ ધીમે ધીમે વૃક્ષ બને છે, ચેતના ધીમે ધીમે જાગૃત થાય છે, તેમ જ સાચી ભક્તિ પણ ભગવાનના ચરણોમાં ધીમે ધીમે પરિપક્વ થાય છે.

शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः । हृद्यन्तःस्थो ह्यभद्राणि विधुनोति सुहृत्सताम् ॥

“ભગવાન કૃષ્ણ વિશે સાંભળવાથી અને ભગવાન શ્રીકૃષ્ણના નામ સંકીર્તનથી હૃદયની અશુદ્ધિઓ ધીમે ધીમે દૂર થાય છે.” હૃદયની શુદ્ધિ પણ એક ક્રમશઃ ચાલતી પ્રક્રિયા તરીકે વર્ણવાય છે.

गुणरहितं कामनारहितं प्रतिक्षणवर्धमानम् ।

“શુદ્ધ ભક્તિ સ્વાર્થ રહિત હોય છે અને દરેક ક્ષણે વધતી જાય છે.” ભક્તિ એ એવી વસ્તુ છે જે સમય સાથે સતત અને ધીમે ધીમે વિકસે છે.

स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः ॥

“અવિરત, લાંબા સમય સુધી અને ભક્તિપૂર્વક કરવામાં આવેલા અભ્યાસથી સાધના મજબૂત રીતે સ્થિર થાય છે.” આ સીધી પુષ્ટિ કરે છે કે સ્થાયી આધ્યાત્મિક સિદ્ધિ માટે લાંબા ગાળાની સ્થિર મહેનત જરૂરી છે.

અનેક આધ્યાત્મિક પરંપराઓમાં, ખાસ કરીને સનાતન ધર્મમાં, ધીમી ભક્તિ પ્રક્રિયાને સૌથી સ્થિર અને સાચો માર્ગ ગણવામાં આવે છે – કારણ કે સાચી ભક્તિ માત્ર ભાવનાત્મક ક્ષણ નથી – તે હૃદય, મન, આદતો, અહંકાર અને ચેતનાનું ક્રમિક રૂપાંતર છે. ઝડપી ઉત્સાહ ભાવનાઓને સ્પર્શી શકે છે; ધીમી ભક્તિ ચારિત્ર્યનું ઘડતર કરે છે.

અહંકાર ધીમે ધીમે વિસર્જિત થાય છે. આત્મા અને પરમાત્મા વચ્ચેના સૌથી મોટા અવરોધોમાંનો એક છે અહંકાર. અહંકાર ભાગ્યે જ તાત્કાલિક વિલીન થાય છે. તે ધીરે ધીરે સેવા, પ્રાર્થના, ભગવાન ના દિવ્ય નામના જપ, સમર્પણ, આત્મ-ચિંતન દ્વારા કોમળ બને છે. આ ધીમી પ્રક્રિયા હૃદયને આધ્યાત્મિક રીતે ગ્રહણશીલ બનાવે છે.

દૈવી સંબંધ યાંત્રિક નહીં, જીવંત (ઓર્ગેનિક) છે. પ્રેમ ખરેખર ક્ષણભરમાં ઉત્પન્ન થઈ શકતો નથી. ધીમે ધીમે થતી દિવ્ય પ્રક્રિયાઓ જેવીકે ભગવાન વિશે સાંભળવું, જાપ કરવો, સ્મરણ, સેવા, અને સમર્પણ વિગેરે દિવ્ય પ્રેમ-ભક્તિને સપાટ બનવાથી બચાવે છે. ધીમી ભક્તિ વિલંબ એ નથી; તે ઈશ્વર તરફ ચેતનાનું પરિપક્વ થવા ની ક્રિયા છે.

શનિની સાડા-સાતી વાસ્તવમાં શુદ્ધિની પ્રક્રિયા છે. મહા-યજ્ઞ છે!

મૂળભૂત પ્રશ્ન એ છે કે લોકો સાડા-સાતીથી કેમ ડરે છે? કારણ કે તેઓ સમજે છે – “શનિદેવ દંડ આપવા આવ્યા છે.” પરંતુ સત્ય એ છે કે “શનિદેવ તે બધું છીનવવા આવ્યા છે જે આપનું હતું જ નહીં.” આમ, આ ભય અને મુક્તિ વચ્ચેના ફર્ક ની વાત છે. 

સાડા-સાતીની રચના – ત્રણ તબક્કા, ત્રણ શુદ્ધિઓ

પ્રથમ અઢી વર્ષ (શનિદેવ, જન્મ-રાશિ પૂર્વે) – બાહ્ય જગતની શુદ્ધિ

બીજા અઢી વર્ષ (શનિદેવ, જન્મ-રાશિ પર) – અંતર જગતની શુદ્ધિ

ત્રીજા અઢી વર્ષ ((શનિદેવ, જન્મ-રાશિ પછી) – નવ નિર્માણ

પ્રથમ અઢી વર્ષમાં બાહ્ય આવરણ ભેદવું. શનિદેવ પહેલાં બહારથી આઘાત કરે છે એટલે સંબંધ તૂટે છે, ધન જાય છે, પદ જાય છે, પ્રતિષ્ઠા હચમચે છે. કારણ કે મનુષ્યે ખોટી ઓળખ બનાવી છે. “હું તે છું જે મારી પાસે છે.” “હું તે છું જે લોકો મને સમજે છે.” “હું તે છું જે મારું પદ છે.” શનિદેવ આ બધું છીનવી લઈને પૂછે છે, “હવે કહો – તમે કોણ છો?”

બીજા અઢી વર્ષમાં અંતરનું દહન. જ્યારે બહારનું બધું જતું રહ્યું, ત્યારે ભીતરનું જૂઠ સામે આવે છે. અહંકાર (“હું સૌથી શ્રેષ્ઠ છું”નો ભ્રમ), આસક્તિ (“આ સદા રહેશે”નો ભ્રમ), સ્વાર્થ (“બધું મારા માટે છે”નો ભ્રમ). જેમ સોનાને શુદ્ધ બનાવવા માટે પહેલાં ખાણમાંથી કાઢો, પછી આગમાં નાખો, ત્યારે શુદ્ધ સોનું પ્રગટ થાય છે. શનિદેવ તે જ કુંદન-અગ્નિ છે.

ત્રીજા અઢી વર્ષમાં નવ-સ્વરૂપનો ઉદય. જ્યારે બળવા-પાત્ર બધું બળી જાય ત્યારે સાચું સ્વરૂપ મળે, સાચા સંબંધ બચે, સંતોષ આવે, આત્મ-બળ આવે, વિશ્વાસ આવે. શનિદેવ હવે નવ-નિર્માણ કરે છે અને જે બને છે તે કાયમી હોય છે.

શનિદેવ ત્રણ પ્રશ્ન લઈ આવે છે:

પ્રશ્ન ૧. “તમે શું સંગ્રહ કર્યું જે તમારું ન હતું?” → તે છીનવાઈ જાય છે.

પ્રશ્ન ૨. “તમે કોની સાથે અન્યાય કર્યો?” → એવી જ પરિસ્થિતિ સ્વયં ભોગવવી પડે છે.

પ્રશ્ન ૩. “તમારું વાસ્તવિક સ્વરૂપ શું છે?” → જ્યારે જવાબ મળી જાય ત્યારે સાડા-સાતી સમાપ્ત.

શનિદેવ જાણે છે કે જીવનું વાસ્તવિક સ્વરૂપ કૃષ્ણનો અંશ છે. પરંતુ જીવે માયાનું આવરણ ઓઢ્યું છે. સાડા-સાતીમાં શનિદેવ તે માયા ના આવરણ ને ઉતારે છે. શનિદેવ વાસ્તવમાં કૃષ્ણના દૂત છે, જે જીવને માયામાંથી છોડાવી કૃષ્ણ તરફ ધકેલે છે.

तत्तेऽनुकम्पां सुसमीक्षमाणो भुञ्जान एवात्मकृतं विपाकम् । हृद्वाग्वपुर्भिर्विदधन्नमस्ते जीवेत यो मुक्तिपदे स दायभाक् ॥

જે શનિદેવના આઘાતને કૃપા તરીકે સમજી સ્વીકારે, તેની શુદ્ધિ ઝડપી અને સંપૂર્ણ થાય છે. સાડા-સાતી તે ભઠ્ઠી છે જેમાં “હું અને મારું” નું લોઢું બળે છે અને “તે અને તેનું” સોનું નીકળે છે. જ્યારે “હું” મટે છે ત્યારે કૃષ્ણ દેખાય છે. આ જ શનિદેવની સૌથી મોટી ભેટ છે. આ જ તેમની હેતુ-રહિત કરુણા છે. આ જ તેમનું કૃષ્ણ-ભક્ત હોવાનું પ્રયોજન છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ ગ્રહ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવના અધિદેવ યમરાજ છે અને પ્રત્યાધિદેવ પ્રજાપતિ બ્રહ્મા છે. શનિદેવ એક રાશિમાં ત્રીસ મહિના રહે છે. શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. શનિદેવની ઉચ્ચ રાશિ તુલા અને નીચ રાશિ મેષ છે તથા શનિદેવની મહાદશા ૧૯ વર્ષની હોય છે. હસ્તરેખાશાસ્ત્રમાં મધ્યમા આંગળીની નીચે શનિદેવનું સ્થાન છે તથા અંકજ્યોતિષ અનુસાર શનિદેવ દર માસની ૮, ૧૭, ૨૬ તારીખના સ્વામી છે.

ધ્યાન મંત્ર: इन्द्रनीळ-द्युतिः शूळी वरदो गृध्रवाहनः। बाण-भाण-आसन-धरः कर्तव्योऽर्कसूत-स्तथा॥

વૈદિક મંત્ર: ॐ शं नो देवीरभिष्टय आपो भवन्तु पीतये। शं योरभि स्रवन्तु नः॥

પૌરાણિક મંત્ર: नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजम्। छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्॥

બીજ મંત્ર: ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः॥

મૂળ મંત્ર: ॐ शं शनैश्चराय नमः॥

નવગ્રહ મંત્ર: सूर्यनारायणपुत्रो दीर्घदेहा विशालाक्षः शिवप्रियः। मन्दचारः प्रसन्नात्मा पीडां हरतु मे शनिः॥

શક્તિ મંત્ર: ॐ ऐं ह्रीं श्रीं शनैश्चराय नमः॥

ગાયત્રીમંત્ર: ॐ शनैश्चराय विद्महे छायापुत्राय धीमहि। तन्नः मन्दः प्रचोदयात्॥

આમાંથી કોઈ એક મંત્રનો શ્રદ્ધા સહિત નિત્ય અને નિશ્ચિત સંખ્યામાં જપ કરવો જોઈએ. જપનો સમય સંધ્યાકાળ તથા જપ સંખ્યા ૨૩૦૦૦ માનવામાં આવી છે.

શની શિંગણાપુર

શની શિંગણાપુર મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું એક પ્રસિદ્ધ તીર્થસ્થળ ગામ છે, જે ભગવાન શનિદેવને સમર્પિત છે. મુખ્ય મૂર્તિ એક કાળા પથ્થરની શિલા છે, જે ખુલ્લા આકાશ નીચે એક ચબૂતરા પર સ્થિત છે. અહીં કોઈ બંધ મંદિરની રચના નથી. આ ગામના ઘરો અને દુકાનોમાં દરવાજા કે તાળાં નથી. લોકો માને છે કે ભગવાન શનિદેવ તેમને ચોરીથી સુરક્ષિત રાખે છે.

આનંદ!!

Related posts

Leave the first comment